Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
કેટલા દિવસ થઈ ગયા !
તમારી યાદ જરા પણ ઝાંખી થતી નથી.
કેટકેટલાં પ્રભાતો-કેટકેટલી સંધ્યાઓ !

પ્રભાતે હૃદયની અંદર જાગી ઊઠે છે;
હરેક સંધ્યાએ અનેકગણી તીવ્રતર બની જાય છે.
આવી છે તમારી યાદ !

તમને કેવી રીતે ભૂલી શકું ?
સૂર્ય ને ચંદ્ર કદાચ ઉગવાનું ભૂલી જાય,
સંધ્યા-ઉષાના ક્રમમાં પણ પરિવર્તન થાય :
છતાં પણ પ્રેમને કેમ ભૂલી શકું ?
પોતે રહીને પ્રેમથી વિહીન કેમ રહી શકું ?

જેણે જેણે પ્રેમ કર્યો છે,
લગીર પણ પ્રેમ કરી આ જીવનમાં ઉપકાર કર્યો છે,
કોઈને ભૂલી શક્યો નથી, ને ભૂલવા ચાહતો નથી તો આ તો તમે !
તમારા જેવો પ્રેમ, તમારા જેવી અલૌકિકતા, બીજે ક્યાં પામી શકું ?
અરે, તમે તો મારું હૃદય, કહો તમને શે ભૂલી શકું ?

ઈચ્છા માત્ર એટલી જ છે કે,
તમારું પાવન દર્શન પામી શકું,
સરસ સાન્નિધ્ય પ્રાપ્ત કરી શકું,
તમને કદીયે ના ગુમાવી શકું.

- શ્રી યોગેશ્વરજી