Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
પંખીના પ્રેમી પુરુષે પંખીને પકડીને પીંજરમાં પૂર્યું છે.
તેને ખવડાવે છે, પીવડાવે છે, પાસે બેસીને બોલાવે છે.
પંખીના પ્રેમી પુરુષે પંખીને પકડીને પીંજરમાં પૂર્યું છે.

પંખી ઊડી ના જાય તેને માટે સારી પેઠે સાવધ રહે છે;
શિશુની જેમ તેની સંભાળ લે છે.
કુદરતના ખોળે ખેલનારું પંખી બંદી બન્યું છે,
પોતાના સહજ ગીતને વિસરીને મૂક થયું છે,
પગ છતાં અપંગ બન્યું છે,
પરંતુ પુરુષને એની ક્યાં પરવા છે ?
પંખીના પ્રેમી પુરુષે પંખીને પકડીને પીંજરમાં પૂર્યું છે.

પુરુષની અવસ્થા એવી થઈ કે પંખીના વિના એને ચેન નથી.
પૂરાયેલા પંખીને એ જુએ છે અને આનંદે છે.
પાસે ઊભેલો વિચારક વિચાર કરે છે :
પીંજરમાં કોણ પુરાયું ?
પોતાની જ મરજીથી કોણ કેદ કરાયું-પંખી કે પુરુષ ?
તૂટ્યા તૂટે નહિ તેવા પીંજરમાં કોણ પૂરાયું ?

- શ્રી યોગેશ્વરજી