Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
શુભ અને અશુભના સંમિશ્રણવાળા સંસારમાં
એવી દૃષ્ટિ આપ જેથી અશુભને એક તરફ મૂકીને શુભનો જ સંગ્રહ કરું.
શુભનું જ સંકીર્તન કરું,
હે શિવસ્વરૂપ, એવી દૃષ્ટિ આપ !

મંગલ અને અમંગલના સમુચ્ચય સરખા સંસારમાં
એવી શક્તિ આપ જેથી અમંગલને અલગ કરીને મંગલનું જ વરણ કરું,
મંગલને અંજલિ ધરું.
હે મંગલમય, એવી શક્તિ આપ !

સારનું સંકલન કરવામાં, સ્વાગત કરવામાં, સંકીર્તન કરવામાં જ
અંતરને આનંદ આવે, એ મારો સ્વભાવ બની જાય,
અશુભની આલોચનાના આસુરી આનંદમાં મારો સોનેરી સમય એળે ના જાય,
મારી શક્તિનો દુરુપયોગ ના થાય, એવી શક્તિ આપ !

અને એટલું તો અવશ્ય કર.
એટલી જડતા તો જરૂર હર,
કે અશુભની અસર નીચે આવીને અથવા અશુભમાં આસક્ત થઈને,
સ્વલ્પ શુભ પ્રત્યે પણ એકદમ આંખમીંચામણા
કે મુઠ્ઠીભર મંગલનીયે અવજ્ઞા તો ના જ કરું.

- શ્રી યોગેશ્વરજી