Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
તારી મરજી મુજબ કોઈ કાર્ય થાય છે ત્યારે ..
તું એમ માને છે કે ઈશ્વરની કૃપા થઈ,
અને મરજી મુજબનું કાર્ય નથી થતું ત્યારે ..
ઈશ્વરની કૃપા ના થઈ એમ કહે છે, આઘાત લગાડે છે, આક્રંદ કરે છે,
તારી એ પદ્ધતિ પ્રામાણિક નથી; દોષપાત્ર છે.

એનું કારણ એ છે કે તારે માટે શું શુભ અથવા અશુભ,
શું મંગલ અથવા અમંગલ છે, તેની તને પ્રતીતિ નથી.
તારી બુદ્ધિ, દૃષ્ટિ, શક્તિ સર્વકાંઈ સીમિત છે,
એટલે એ સર્વશક્તિમાનના વિધાનને તું નથી સમજતો.
રાત પડે છે ત્યારે રડે છે,
કિન્તુ એની આગળ જ દિવસ છે એ વાતને વિસરી જાય છે.
તાપ તપે છે ત્યારે તપી ઊઠે છે,
કિન્તુ વૃષ્ટિની શક્યતા એને લીધે જ છે એનું સ્મરણ તને નથી રહેતું.

પરંતુ જ્ઞાની, ભક્ત, શ્રદ્ધાવાન તથા યોગી તો ત્યારે જ કહેવાય
જ્યારે એ મંગલમય જે કરે છે તે તારા મંગલને માટે જ કરે છે
એવા વિશ્વાસને સદાયે અચળ રાખે,
અને શુભ કે અશુભ, ઈચ્છાપૂર્વકનું કે ઈચ્છા વગરનું, જે પણ આવી મળે
તેમાં મનની સમતુલાને સાચવી રાખીને એની કૃપાસુધાનો સ્વાદ ચાખે :

બીજી બધીયે શંકા, વ્યથા, ચિંતાને ખંખેરી નાખ :
એ અંતર્યામી પાસે એ માટેની ભિક્ષા માગ.

- શ્રી યોગેશ્વરજી